ગાંધીજીએ અહિંસાનો જ માર્ગ કેમ અપનાવ્યો?

શાશ્વત સંદેશ માંથી
Yogesh (ચર્ચા | યોગદાન) દ્વારા ૦૫:૧૯, ૩ ડિસેમ્બર ૨૦૨૦ સુધીમાં કરવામાં આવેલાં ફેરફારો
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

અહિંસાની ભાવનાના વિરોધમાં કેટલાક સંદેશાઓ દ્વારા સોશ્યલ મીડિયામાં પ્રચાર કરવામાં આવે છે જે મુજબ ‘જ્યારે સરહદ પર યુદ્ધ ચાલતું હોય, ગોળીઓનો વરસાદ ચાલતો હોય ત્યારે શું કોઈ સામેથી ગોળી મારે તો તેનો પ્રતિકાર કરવાના બદલે ગોળી ખાવા માટે પોતાની છાતી ધરવી એ તો મૂર્ખતા છે.’ આ રીતે મહાત્મા ગાંધીજીની અહિંસાની વાત ગળે ઊતરે તેવી નથી. આ ઉપરાંત એક સંદેશ એવો પણ વહેતો કરવામાં આવે છે કે, ‘અહિંસા પરમો ધર્મ એ શ્લોક આપણને ગાંધીજી દ્વારા અડધો જ શીખવવામાં આવ્યો છે. સાચો શ્લોક અહિંસા પરમોધર્મ ધર્મ હિંસા તથૈવ ચ એવો છે. મતલબ કે ધર્મના રક્ષણ માટે હિંસા કરવામાં કોઈ જ દોષ નથી.’ આવા કેટલાએ સંદેશાઓ વહેતા કરીને અહિંસાનો વિરોધ કરવામાં આવતો હોય છે.

ભારતમાં જ્યારે જ્યારે પણ દેશ અને સંસ્કૃતિ પર ખતરો ઊભો થયો છે ત્યારે ત્યારે સંતો અને મહાપુરુષોની પરંપરા પ્રગટી છે. આ લોકોના કારણે જ આ દેશ અને આપણી સંસ્કૃતિ આજ સુધી ટકેલા છે. જે કાળમાં જેવી પરિસ્થિતિ હોય, જે પણ કરવાની આવશ્યક્તા લાગે એ પ્રમાણે તેઓ વર્તે છે. તેમના કાર્યની અન્ય કાર્ય સાથે ક્યારેય તુલના ન કરવી જાેઈએ. ગાંધીજી પણ આવા જ કાળ પુરુષ હતાં. કાળ પુરુષ એને કહેવામાં આવે છે જે એ કાળમાં જે પ્રવાહ હોય તેને બદલે છે અને આ રીતે મોટો ફેરફાર થાય છે. આ કાર્યની સફળતા માટે તે જે પણ માર્ગ અપનાવે છે તે આગવો હોય છે, નૂતન હોય છે અને તે કાળની પરિસ્થિતિ મુજબ તે માર્ગ હોય છે. મહાત્મા ગાંધીજીના પ્રત્યેક કાર્યમાં ભગવાનની શક્તિ કાર્ય કરી રહી હતી.ગાંધીજીની અહિંસાની ભાવનામાંથી કોઈનેય સરહદ પર લડવા ન જવું જાેઈએ અને જે પણ થાય, આક્રાંતાઓ હુમલો કરે અને પોતાનું બધું લૂંટાતું હોય તો લૂંટાવા દેવું જાેઈએ પણ ક્યારેય વળતો પ્રહાર ન કરવો જાેઈએ કારણ કે તે હિંસા છે એવો અર્થ આપણે કાઢવાનો નથી. જેને પણ સરહદ પર લડવા માટે જવું હોય તે અવશ્ય જાય, જવું જાેઈએ પણ તે સિવાય અહિંસાનો માર્ગ પણ છે અને તેથી એનું મહત્વ ઓછું થઈ જતું નથી. આપણે જે પણ પ્રવૃત્તિ કરીએ છીએ તે સિવાયની બીજી પ્રવૃત્તિનું પણ યોગ્ય મૂલ્ય આંકવાની તેની પણ કદર કરવાની આપણી તૈયારી હોવી જાેઈએ.

ભારતમાં જેટલા પણ મહાપુરુષો થયાં છે તેઓ ઈશ્વરની પ્રેરણાથી પોતપોતાની રીતે કાર્ય કરતાં હોય છે. તેઓ અમુક ભાવ પરત્વે વિશેષ ભાર મૂકે છે કારણ કે એમને એ પ્રકારે કાર્ય કરવાનું હોય છે, એથી એમણે જે કહ્યું તે સર્વકાલિન નહીં પણ સાપેક્ષ સત્ય છે.મહાત્મા બુદ્ધને શાંતિનો સંદેશ આપવો હોય તો એ યુદ્ધ કરીને ન આપી શકે એ જ રીતે ગાંધીજીને અહિંસાનો સંદેશો આપવો હોય તો એમણે અહિંસાનું પાલન કરવું પડે. સૌની એક જ સરખી રીત ક્યારેય પણ હોતી નથી અને સૌ માર્ગ માટે અલગ અલગ રીતો હોય છે. અનુભવીઓ તો સતમાં વર્તે અને અસતમાં પણ વર્તે. માનો કે ટ્રેન ૪૦ની સ્પીડે ચલાવવાની હોય તો વરાળ ઍન્જિન તેટલી વરાળનો-શક્તિનો ઉપયોગ કરે અને ટ્રેનને ૮૦ કિમીની ઝડપે ચલાવવાની હોય તો એટલી વરાળનો ઉપયોગ કરે. ટ્રેન ધીમી ચલાવતા હોય તો એની શક્તિ આટલી જ છે એમ માની ન લેવાય એ જ રીતે કોઈ સંત કોઈ રીતે વર્તે એ સાપેક્ષ છે, જરુરિયાત મુજબ છે. ૪૦થી દોડતી ટ્રેન ૮૦ની ઝડપે પણ દોડી શકે છે તેમ સમયની આવશ્યક્તા મુજબ એ જ વ્યક્તિ અન્ય રીતે પણ કાર્ય કરે છે, ક્યારેક તો એ કાર્ય અગાઉના કરતાં તદ્દન વિપરીત હોય એવું પણ બની શકે છે. ભારતને અંગ્રેજાેની ગુલામીમાંથી આઝાદી અપાવવા માટે જ ગાંધીજીના જન્મનો ઉદ્દેશ હતો અને એ કાર્ય પૂર્ણ થતાં જ તેમણે દેહની લીલા સંકેલી લીધી. જ્યારે ઈશ્વરની ઈચ્છા અને શક્તિ મુજબ કાર્ય થતું હોય ત્યારે એ પદ્ધતિ તદ્દન મૌલિક હોય છે, એ એની નિશાની છે. ગાંધીજીએ તે સમયે અહિંસાના માર્ગે લડત શરુ કરી, કોઈએ વિચાર્યું પણ નહોતું કે આ રીતે લોહીનું એધકપણ ટીપુ વહેડાવ્યા વગર પણ વિરોધ નોંધાવી શકાય છે! ભારતે વિશ્વને હંમેશા શાંતિનો સંદેશ આપ્યો છે અને ભવિષ્યમાં પણ ભારત જે રીતે વિશ્વને શાંતિનો સંદેશ આપવાનું છે તે માટે આ અહિંસાના માર્ગે લડત કરવાની આવશ્યક્તા હતી. એ કાળ બીજા વિશ્વયુદ્ધનો કાળ હતો અને ત્યારે ભારતે અહિંસાના કલ્પનાતિત માર્ગ દ્વારા વિશ્વને યુદ્ધ કર્યા વગર પણ લડત લડવાની પદ્ધતિ આપી હતી. ઈશ્વર સર્વજ્ઞ છે અને તે ભૂત અને ભવિષ્ય વિશે પણ જાણે છે એટલે તેની યોજનાઓ ભવિષ્ય વગેરેને ધ્યાને રાખીને હોય તે આપણે જે તે સમયે સમજી શકીએ તેવી સ્થિતિ હોતી નથી.

યુદ્ધમાં શૌર્ય દાખવવાની, દેશ અને સંસ્કૃતિનું રક્ષણ કરવાની અને એ માટે જરુર પડ્યે યુદ્ધો લડવાની જેટલી આવશ્યક્તા છે એટલી જ જીવનમાં માનવ જાતિને શાંતિની પણ આવશ્યક્તા છે. વિશ્વએ બે વિશ્વયુદ્ધો જાેયાં છે અને તેનાથી થતો મહાવિનાશ તેમજ સદીઓ સુધી થતી તેની વિઘાતક અસરો પણ જાેઈ છે. વળી, અહિંસાનો આ સંદેશ વિશ્વ સમૂદાયને ભારતની ભૂમિ પરથી ત્યારે અપાયો છે જ્યારે વિશ્વના દેશો બીજું વિશ્વ યુદ્ધ લડી રહ્યાં હતાં.

ભારતમાં એ સમયે અહિંસાની સાથે સાથે જ હિંસાનો માર્ગ પણ હતો અને તેથી લાખો નિર્દોષ લોકોના મૃત્યુ થયાં છે, ગાંધીજી અહિસક માર્ગે જ આઝાદી આપવા માટે સક્ષમ હતાં પણ આપણા દેશનું જનમાનસ તેને યથાયોગ્ય રીતે સ્વીકારી શકે તેવી સ્થિતિ નહોતી. ક્રોધ અને આવેગો માણસ પાસે ન કરવાનું પણ કરાવી શકે છે અને તેને રોકવાનું દરેકના વશમાં નથી હોતું. ગાંધીજીએ ભારતવર્ષને સંહારમાંથી બચાવી લેવા માટે ઘણીએ ધીરજ રાખી છે.

આપણને થશે કે આ આઝાદી મળી તો આવી? કે જેથી દાંત ખાટા થઈ જાય! જાે ગાંધીજીએ આવી આઝાદી અપાવી તો આ પરિસ્થિતિ માટે તે જ જવાબદાર છે તેમ આપણને લાગે છે પણ ગાંધીજીએ પૂરો પ્રયત્ન કર્યો એ પછી જ્યારે પરિણામ ન મળ્યું ત્યારે તેમણે બધું જ ભગવાન પર છોડી દીધું હતું. લોકોની જેવી તૈયારી હતી તેવું પરિણામ મળ્યું. લડત આટલેથી અટકી જતી નથી. જે આઝાદી મળી તે ગાંધીજીને માન્ય નહોતી, આ એમના સપનાની આઝાદી નહોતી. આઝાદીની સાથે સાથે દેશનું વિભાજન કરવાનો પણ નિર્ણય લેવાયો, ગાંધીજી હંમેશાથી ઈચ્છતા હતાં કે દેશમાં સૌ લોકો સાથે મળીને શાંતિપૂર્વક રહે. આ માટે તેમણે જીવનભર શક્ય તમામ પ્રયાસો કર્યાં. આમ છતાં ગાંધીજીની ઈચ્છા વિરુદ્ધ જ્યારે કોંગ્રેસે આઝાદી સ્વીકારવાનો અને દેશનું વિભાજન કરવાનો નિર્ણય લીધો ત્યારે ગાંધીજીને ભારે આઘાત લાગ્યો હતો. કોઈને ભારતના તો કોઈને પાકિસ્તાનના વડાપ્રધાન બનવું હતું. આઝાદીના આ નિર્ણયનો, ભારતના ભાગલાનો વિરોધ કરનારા બે જ વ્યક્તિ હતા એક તો ગાંધીજી અને બીજા આચાર્ય ક્રિપલાણી. ભાગલાના વિરોધમાં ગાંધીજીએ ધરણા પણ કર્યાં હતાં.

હરિના જન તો મુક્તિ ન માગે, માગે જનમો જનમ અવતાર રે.. નરસિંહ મહેતાની એ ઊક્તિ મુજબ આવા પુરુષો જ્યાં સુધી પોતાનું કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી અટકતા નથી અને જુદા જુદા રુપો ધારણ કરીને ધરતી પર આવતા હોય છે. ત્યારે તે સમયની માગ મુજબ તેમનું કાર્ય હોય છે જે અગાઉ કરતાં તદ્દન અલગ જ હોય તેવું પણ બની શકે છે. આવી સ્થિતિમાં બધાં તેને ઓળખી શકતાં નથી. પણ તે પોતાનું જે મિશન છે તે પૂર્ણ કરવા માટે અવશ્ય મોટા કાર્યો કરે છે, તેના કાર્યોથી સમાજમાં મોટા મોટા બદલાવો આવે છે. એ સત્તાથી દૂર રહ્યાં તો બીજા જન્મે પોતાના કાર્યો માટે સત્તામાં આવી શકે છે, અહિંસાના બદલે યુદ્ધો પણ લડી શકે છે, ભારતને સાચી આઝાદી આપવા એ મૌલિક કાર્યો કરશે પણ બધાં લોકો ત્યારે પણ તેના કાર્યોને સમજી શકશે નહીં. આપને શું લાગે છે કે જે ગાંધીજીએ દેશની આઝાદી માટે જીવન ખર્ચી નાખ્યું તે ભારતને સાચી આઝાદી અપાવવા માટે ફરી બીજાે જ વેશ ધારણ કરીને નહીં આવે? આવે તો પણ તેમને ઓળખનારા, સમજનારા લોકો ઘણાં જ ઓછા હોય છે.

-યોગેશ કવીશ્વર

આ પણ જુઓ